46) જિંદગી

કભી કભી ઉદાસી કી આગ હૈ જિંદગી,
કભી કભી ખુશીઓ કા બાગ હૈ જિંદગી,
હસાતા ઓર રૂલાતા બાગ હૈ જિંદગી,
કડવે ઓર મીઠે અનુભવો કા સ્વાદ હૈ જિંદગી,
પર અંત મે તો કિયે હુએ કર્મો કા હિસાબ હૈ જિંદગી. (-અજ્ઞાત)

જિંદગી જીવવું સરળ છે, એ વાત આપણે ખાતરીપૂર્વક ત્યારે જ કહી શકીએ જ્યારે આપણે દરેક પ્રકારની મુશ્કેલીઓને પડકાર આપતા જીવનમાં શીખી જતા હોઈએ છીએ. જિંદગી ગરીબ વ્યક્તિની હોય કે પછી ધનવાન, તે સરળ અને સુખમય તો નથી જ હોતી. જિંદગીને સુખમય હંમેશા વ્યક્તિએ પોતે જ સંઘર્ષો કરીને બનાવી પડતી હોય છે.

દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવતી જ હોય છે તેમજ દરેક વ્યક્તિ મુશ્કેલીઓમાં નિરાશ થતો જ હોય છે. ફરક બસ એટલો જ છે કે મુશ્કેલીના સમયે વ્યક્તિ પોતાના અંતરમાં સકારાત્મક અભિગમ કેટલો જાળવી રાખે છે. જેટલો સકારાત્મક અભિગમ વધુ તેટલી મુશ્કેલી સમયે દુઃખ ઓછું. તમે તમારા દુઃખ લઈને કોઈપણ મનોચિકિત્સક પાસે જશો તેમની પેહલી વાત એજ હશે કે તમારે મુશ્કેલ પરિસ્થતિ આગળ હિંમત કેળવી, સકારાત્મક રેહવુ અને ખરેખર, આ બાબત જિંદગી સરળ રીતે જીવવાની પ્રથમ શરત છે.

સનાતન ધર્મની એક વાત છે કે ૮૪ લાખ યોનિમાંથી પસાર થઈએ ત્યારે મનુષ્ય જીવન મળે છે. આ મનુષ્ય જીવનને પણ જો આપણે મુશ્કેલ પરિસ્થતિ આગળ ટૂંકાવીને હાર માનીએ તો એ આપણે આપણા જીવનની ગુમાવેલી સૌથી મોટી કિંમત હશે. આ જિંદગી જેટલી મૂલ્યવાન ભેટ તેટલી અન્ય કંઈ નથી. મુશ્કેલ પરિસ્થતિ તેના સમય અનુસાર જીવનમાં આવવાની અને આવીને જતી રેહવાની. આપણે બસ આ પરિસ્થતિ આગળ હિંમતપૂર્વક પસાર થવાનું રહ્યું.

ઉપરવાળો માલિક એટલે કે ઈશ્વર, હંમેશા એટલી જ મુશ્કેલી આપતો હોય જેટલી આપણે સહન કરી શકતા હોય છે. જીવનમાં ખુશી હોય કે દુઃખ હંમેશા અન્યના આશરો લેવા કરતાં ઈશ્વરનો આશરો લેવો શ્રેષ્ઠ. ઈશ્વર આપણા સમક્ષ પ્રગટ થઈને તો ના આવશે પણ આપણી મુશ્કેલીનો માર્ગ તે સરળ ચોક્કસ બનાવી દેશે. આથી જ તો પ્રાથના શ્રેષ્ઠ માધ્યમ છે. સવારે ઉઠીને, સૂતા જાગતા ઈશ્વરને સ્મરણ કરતા રેહવું, જીવનમાં ઈશ્વરને આમ નિયમિત યાદ કર્યા પછી એક ખ્યાલ ચોક્કસ આવશે કે જિંદગી સરળ છે.

જિંદગી જીવતા ન આવડે તો નિરાશ ના થવું, જન્મથી કોઈપણ વ્યક્તિ શીખીને નથી આવતો. વ્યક્તિ હંમેશા જીવનને અનુભવીને જ શીખતો હોય છે. ક્યારેક તે ભૂલોથી શીખે તો ક્યારેક તે તેના પરાક્રમોથી શીખતો હોય છે. ક્યારેક અન્યના જીવનથી પ્રેરાઈને પણ જીવતો હોય છે.

જિંદગી જેટલી ઉજવાય એટલી ઉજવી લેવી. જિંદગી ઉજવવી એટલે આપણા થકી આપણી શક્તિ મુજબ અન્યને ખુશ કરીને, પોતે ખુશ થવું. આ એક સરળ ઉપાય છે જીવનમાં ખુશ રેહવાનો. આ બાબતને અપનાવાની કોશિશ કરો જીવનમાં ખુશી ચોક્કસ આવશે. પોતાની ખુશી મુજબ જીવન ચોક્કસ જીવવું પણ આપણે કોઈ અન્યને નડીએ નહિ તેનું પણ જીવનમાં ધ્યાન ચોક્કસ રાખવાનું. ઉદાહરણ આપીને કહું તો રસ્તો બનાવવા માટે કોઈ વૃક્ષ આપણને નડતું હોય તો તે હતાડવું, પણ એ જ વૃક્ષ પર આશરો લેતા પક્ષીઓ માટે અન્ય ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવવા ચોક્કસ જરૂરી છે.

અંતે, જિંદગીથી થાકી જવાને બદલે તેને સરળ બનાવવાના પ્રયત્નો ચોક્કસ કરવા અને જિંદગી ઉજવી લેવી.

✍️ ધીનલ એસ. ગાંવિત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *