
જીવનમાં વ્યક્તિ બાલ્યાવસ્થા પછીથી જ્યારે દુનિયાને જોવાની શરૂઆત કરે, ત્યાર થી વ્યક્તિના જીવનમાં અવારનવાર અગણિત લોકો તેના જીવનમાં આવતા જતા રહે છે. પણ ક્યારેક જીવનમાં એવું બને કે વ્યક્તિ આપણા હદયના વધુ નજીક હોય અને તેમ છતાં પણ કોક દિવસ તે કાયમ માટે જતો રહે છે. ત્યારે આપણે આપણું જીવન જીવતા રહીએ તો ઠીક. પણ..! વ્યક્તિના સાથ છૂટવાથી જ્યારે આપણે જીવન જીવવાનું બળ ગુમાવીએ ત્યારે પરિસ્થિતિ ગંભીર સર્જાય આવે છે.
જ્યારે આપણા જીવનમાં નવા નવા વ્યક્તિઓનું આગમન થતું હોય છે ને ત્યારે આપણને તેમની દરેક વાતોથી ખૂબ જ આનંદ મળતો હોય, દિવસ-રાત તેમની જોડે સમય વિતાવવું, સારું-નબળું દરેક વાતો થાય ત્યાં સુધી ઠીક. પણ જ્યારે એમની વાતો આપણા મનને શાંતિ આપે અને પરિવારની વાતો આપણને નાપસંદ થાય ને, ત્યારે પરિસ્થિતિ ગંભીર બને છે. આપણા જીવનમાં આવતા દરેક વ્યક્તિ ખરાબ નથી હોતા પણ જ્યારે જીવનમાં આવતા વ્યક્તિના આગળ જ્યારે પરિવારને દુશ્મન અનુભવો ને ત્યારે સમજી જવું કે તમે શ્રેષ્ઠ વ્યક્તિની મિત્રતાની સંગતમાં નથી જ.
જીવનમાં આવતા દરેક એ દરેક વ્યક્તિ મેહમાન માત્ર જ હોય છે. કોઈક સુખ-દુઃખની આપ લે કરવા માટે જ ઈશ્વર આપણા જીવનમાં તેને મોકલતો હોય છે. જીવનમાં આવી વ્યક્તિને લીધે પરિવારને પ્રત્યે રાગ – દ્વેષ રાખવો એ આપણા જીવનની પ્રથમ બરબાદી નું ચરણ છે. જો આ વાતને સમજી જવાય તો તમારું નુકસાન થતું અટકી જાય તેમ છે.
મળતા દરેક વ્યક્તિ જીવનમાં સાથે નથી રહેતા,
આવે છે તેઓ માત્ર ક્ષણભર માટે કઈક પાઠ શીખવી જવા.
એક સરસ સુવિચાર છે ને કે એક પરિવાર જ હોય છે જે આપણને આપણી તમામ નબળાઈઓ સાથે પ્રેમ આપતો હોય છે. આપણા જીવનમાં અન્ય લોકો મોટેભાગે ખુશીઓમાં જ સાથ આપતા હોય છે, જ્યારે પરીવાર ખુશી-દુઃખ બનેમાં એક સરખો સાથ આપતા હોય છે.
એવું નથી કે આપણે આપણા જીવનમાં કોઈક અન્ય વ્યક્તિને આવતા અટકાવી દેવું. પણ હા.. આપણા જીવનમાં કોઈ અન્ય વ્યક્તિ આવી જવાથી આપણા પરિવારનું માન, મૂલ્ય હંમેશા જળવાય રેહવું જોઈએ. એવું સાંભળ્યું છે ને, જીવનમાં પરિવાર થી મોટો કોઈ મિત્ર નથી અને પારકા થી મોટો કોઈ શત્રુ નથી. પરિવાર આપણા જીવનને લઈને શકત પણ એટલા માટે જ રહેતો હોય છે કારણકે તેઓને આ દુનિયામાં તમામ રીતના પરિચય થઈ ચૂક્યા હોય. આપણા રક્ષણ હેતુથી જ ક્યારેક આપણને તેમની કહેલી વાતો ન ગમે તેવું બનતું હોય છે.
આથી, જ પરિવાર આપણો શ્રેષ્ઠ મિત્ર છે. અસ્તુ.
✍️ ઘીનલ એસ ગાંવિત.