
જીવનમાં આપણા અંગત દરેક સબંધને મજબુત તેમજ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો એકમાત્ર આધાર વાતચીત છે. વાતચીત કરવાથી જ કોઈ પણ સંબંધનું બીજ રોપાતું હોય છે. માતાપિતા, પતિપત્ની, ભાઈબહેન કે પછી મિત્રતા હોય, કોઈ પણ સબંધનું અસ્તિત્વ વાતચીત દ્વારા જ સફળ બને તેમ છે.
વાતચીત કરવી એટલે એવું નહિ કે આપણે કોઈ અન્ય વ્યક્તિ વિશેની ચર્ચાઓ આપણા અંગતજણ સાથે કરતા રહીએ. વાતચીત એટલે કોઈપણ સબંધમાં એક બીજાની સારસંભાળ, તબીબી ક્ષેત્રે માહિતી, પ્રેમ, હૂફ જેવી અનેક બાબતો આપણે આપણા અંગતજણ સાથે વાતચીત દરમિયાન થાય છે. વાતચીત કરવાથી સબંધોમાં પરસ્પર પ્રેમભાવના જળવાઈ રહેતી હોય છે. જેનાથી વ્યક્તિ પોતાના જીવનમાં તણાવમુક્ત રહી શકે તેમ છે. જીવનનું દુઃખ અંગત સબંધોમાં વેહચી દેવાથી આપણે જીવનમાં માનસિક વિકારોથી બચી શકીએ તેમ છે.
વાતચીત હંમેશા એવા સબંધોમાં જ કરવી કે જે સબંધોમાં આપણો વિશ્વાસ મજબૂત હોય. આપણે કરેલી વાતો બીજે ક્યાંક નહિ જાય તેની ખાતરી દરેક સબંધમાં કરવી આવશ્યક છે. જો આપણે જીવનમાં આમ નહિ કરીએ તો આપણી જ માહિતીની અન્ય જગ્યા એ ચર્ચાઓ થાય છે અને આમ થવાથી ક્યારેક માનસિક રીતે આપણે તણાવમાં પણ આવી જતા હોઈએ છીએ.
વાતચીત એટલે આપણો સબંધ જો આપણી હાજરીમાં હોય તો દરેક દિવસે ઘણીખરી વાતો થાય છે, જેમકે માતાપિતા, પતિ પત્નીના સંબંધો. પણ અન્ય સબંધો જે આપણી હાજરીમાં હરરોજ માટે નથી આવતા તેવા સબંધોમાં વાતચીત રોજ બરોજ થવી અનિવાર્ય નથી, જેમકે ભાઈબંધો તેમજ મિત્રો સાથેનો સબંધ. આવા સબંધોમાં વાતચીત સપ્તાહમાં પંદર થી વીસ મિનિટ કરેલી ફાયદાકારક સાબિત થાય છે.
વાતચીત વગરનો સબંધ કોઈ લાંબા સમય સુધી જળવાતો નથી અને જળવાય છે તો પણ તે માત્ર નામ પૂરતો જ શેષ રહી જતો હોય છે. જો સબંધોમાં વાતચીત બંધ થઈ જાય તો આપણે આપણી લાગણીઓ મનોમન વાગોળતા રહીએ છીએ. તેમજ પરિણામે બેચેની અને તણાવ પણ સર્જાય છે. જો આપણે એક શ્રેષ્ઠ જીવન જીવવું હોય તો આપણા અંગતજન સાથેના દરેક પ્રકારના સબંધોમાં વાતચીત કરવી એ એક શ્રેષ્ઠ પાયો છે. અસ્તુ.
✍️ ધીનલ એસ. ગાંવિત