
દરેક વ્યક્તિને જિંદગી આપનાર એ માધવ જ છે. પણ આ વર્તમાન જીવનમાં વ્યક્તિ ક્યારેક મોહ, માયા તેમજ અન્ય લાલચમાં પોતાની જાતને ઈશ્વરતુલ્ય સમજી ને જીવન જીવતો થયો છે. અન્ય સાથે ખરાબ વ્યવહાર, છલ, કપટ આ બધું જ તે ઈશ્વરની હાજરી હોવા છતાં આખો બંધ કરીને જીવનમાં કરતો જાય છે. આજ કારણોને લીધે તે હંમેશા ક્રોધ, નિષ્ફળતા તેમજ ઈર્ષ્યા થી હંમેશા ઘેરાયેલો પણ વર્તાય છે.
વ્યક્તિ જેટલું દુઃખ અન્ય થકી નથી ભોગવતો તેટલું દુઃખ તે પોતાને ઈશ્વરની સમાન ગણીને ભોગવી જતો હોય છે. ઈશ્વર, અલ્લાહ, પિતા, પરમાત્મા જીવનમાં તમે તેને જે પણ રીતે ઓળખો અહી હું તો તેમને માધવના રૂપમાં જોઈશ, પણ તે એક જ છે અને આપણે સૌ તેમના બાળકો છીએ. તેની શરણમાં રહીને જો જીવન જીવીએ તો કોઈ પણ પરીસ્થિતિમાં તે આપણને સાચવી લેતો હોય છે. અને તેના શરણમાં જઈએ ત્યારે જ પ્રભુ પ્રાપ્તિ પણ થાય.
જીવનમાં વ્યક્તિ ઈશ્વર કરતા પણ વધુ ભરોસો તે અન્ય વ્યક્તિ પર કરી લેતો હોય છે. અને પરિણામે તે દુઃખી થઈને ઈશ્વરની શરણમાં જાય છે. જો જીવનની ગતિ પેહલાથી જ ઈશ્વર તરફ હોય તો, તો તમારા જીવનની સંભાળ ઉપરવાળો જ કરી લેતો હોય છે. તે સર્વોપરી છે, તેનાથી મોટું આજ દિન સુધી ના કોઈ હતું અને ના કોઈ થશે. એની મરજી સિવાય અન્ય કંઈ આ જીવનમાં શક્ય નથી.
ઈશ્વરને પામવા હોય તો સાધુ બનવાની નહિ પણ પોતાના કર્મોને સત્ય અને વિના ફળની આશાએ કરીને પણ ઈશ્વરની શરણમાં જઈ શકાય છે. મોહ – માયા ત્યાગીને ઈશ્વરમાં જ શ્રધ્ધા કેળવવી પડે. ભગવો રંગ એમજ જ ન લાગે. એના માટે પેહલા જીવનમાં તમામ રંગોથી વિલીન થવું પડે. જીવનની ગતિને મોહ માયા, ગુસ્સો, રાગ, તેમજ ઈર્ષ્યા તમામ ને છોડીને શૂન્ય થવું પડે. ત્યારે જ ખરી પ્રભુ પ્રાપ્તિ થાય.
ફકીર કોઈ દી પણ ચિંતા કરતો નથી જોવા મળતો, કારણ તે જાણે છે કે ઈશ્વર તેને સાચવી રહ્યો છે. તેની ફિકર ઈશ્વર કરી લેશે, ને આથી જ ફકીર હંમેશા મોજમાં જ વર્તાય આવે છે. જીવનમાં જેટલું ઈશ્વરને પામશો તેટલું બમણું જીવન ઉજવાશે. જીવન ઉજ્જવું એટલે ક્યાંક તો એવું જીવન જીવવું જેથી લોકો આપણા જીવનથી પ્રેરાઈને લખતા રહી જાય, જેમ કે સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ વગેરે અથવા તો જીવનને ઉજવવાનો બીજો માર્ગ, કંઇક એવું લખી જવું જે લોકો વાચતા રહી જાય, જેવા કે નરસિંહ મહેતા, મીરાબાઈ.
જીવનમાં ઈશ્વરને પામવા ખૂબ સરળ છે. બસ આપણો તેમને પામવા પ્રયત્ન નિસ્વાર્થ ભાવી હોવો જરૂરી છે. મહાભારતમાં અર્જુનને જોઈ લ્યો, પોતાનું સમગ્ર જીવન માધવને સોંપી દીધું છે વિશ્વાસ પણ માધવ અને સફળતા પણ. આપણે પણ અર્જુન જેવા જ બનવાનો પ્રયાસ કરવાનો છે જીવનમાં. પરિણામે આપણા દરેકને માધવ મળી જ જશે. અસ્તુ.
– ધીનલ એસ. ગાંવિત, વલસાડ.