
सर्वे भवंतु सुखिन: सर्वे सन्तु निरामया|
सर्वे भद्राणि पश्यंतु मां किश्चित दुखभाग भवेत्||
અનુવાદ: દરેક લોકો સુખી બને, દરેક રોગમુક્ત થાય, દરેક જણ મંગલમયના સાક્ષી બને અને કોઈને પણ દુઃખના ભોગી ના થવું પડે.
જીવનમાં દરેક વ્યક્તિ આ શ્લોકનું પાલન કરીને જો પોતાનું જીવન જીવે તો તે વ્યક્તિના જીવનની ગતિ સફળતા તરફ બમણી ગતિએ દોરાય એ કહેવું ખોટું નથી. વળી, એવું કેવી રીતે બને? આજના જીવનમાં વ્યક્તિ પોતાના જીવનથી એટલો દુઃખી નથી જેટલો તે અન્યના જીવનને જોઈને તેમજ પોતાના જીવનની સરખામણી કરીને દુઃખી થતો જોવા મળે છે. વ્યક્તિના જીવનમાં સફળતાની ગતિનો સૌથી મોટો અવરોધ એ હોય છે કે તે અન્યના જીવનને માટે કપટ, ઈર્ષા તેમજ ખરાબ હિત ઇચ્છતો હોય છે. જો આ બાબતને ધ્યાનપૂર્વક માનવી સમજીને પોતાના જીવનમાં ઉતારી લે તો સમાજમાં તળાવયુક્ત માનવી આંકમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી જાય તેમ છે.
જીવનમાં ક્યાંક વ્યક્તિ એટલા માટે ખુશ નથી કારણ કે તેનાથી વધુ તે અન્ય પાસેથી જોઈ લે છે. પોતાને મળેલ સુખની હંમેશા અવગણના કરતો રહે છે. તેમજ ઈશ્વર પણ તેનું હિત નથી ઈચ્છતા તેમ વિચારીને વ્યક્તિ સતત પોતાને દુઃખી બનાવી દેતો હોય છે. પરંતુ હકીકતમાં ઈશ્વરનો આ ભેદભાવ હોતો જ નથી. ઈશ્વર દરેક વ્યક્તિને જીવનમાં મહેનત અનુસાર તેનું ફળ પૂરું પાડે જ છે. વળી વ્યક્તિનું ફળ ક્યારેક જીવનમાં તેને એટલા માટે પણ વહેલું નથી મળી શકતું કારણ કે તે અન્યનું સુખ ઈચ્છી નથી શકતો અને તેની સતત ઈશ્વર પાસેથી માંગણીઓ થતી રહેતી હોય છે.
કોઈ પ્રિયતમ કે પાત્ર ના સાથ છોડવાથી વ્યક્તિ તેના પ્રિયતમ માટે પણ ઈશ્વર પાસેથી તેનું ખરાબ થવાની પ્રાર્થનાઓ કરતો હોય છે અને જો આમ નહીં થાય તો પોતાના હાથેથી પણ ઘણીવાર વ્યક્તિ નુકસાન પહોંચાડી જતો હોય છે. જીવનમાં વ્યક્તિ ક્યારેય એ સમજણ વિકસાવી નથી શકતો કે તેના ધાર્યાથી પણ વધુ આપવાની ક્ષમતા ઈશ્વર પાસે હોય છે. તેમજ પરિણામે વ્યક્તિ પોતાના દુઃખમાંથી ઉપર આવી શકતો નથી અને ક્યારેક તે પોતાનું જીવન પણ ત્યાગી જતો હોય છે.
વ્યક્તિ ઈશ્વરને પ્રાર્થનામાં પણ સતત કંઈક ને કંઈક માંગતો જ વર્તાઈ આવે છે. ક્યારેક સુખ, સંપત્તિ તો ક્યારેક અણધારી સફળતાઓ. જીવનમાં ઈશ્વર પાસેથી માંગેલી આવી પ્રાર્થનાઓનો લાભ હંમેશા અલ્પ સમય માટે જ રહેતો હોય છે. ઈશ્વર પાસેથી જો કંઈક માંગવું જ હોય તો સારા વિચારો, અન્યની મદદ માટે જીવનમાં ઈશ્વરનો હાથ બનવાનો અવસર, સદબુદ્ધિ, સારા ગુણ તેમજ વિદ્યા જેવા ગુણો ભરપૂર પ્રમાણમાં ઈશ્વર પાસેથી પ્રાર્થનામાં માંગવા. જીવનમાં કોઈક અન્યના સુખ માટે ઈશ્વરને કેહવુ એ પણ એક પ્રાર્થનાનો જ ભાગ છે. પણ આજનો માનવી આ દરેક પ્રાર્થનાઓની કિંમત જાણી શકે એમ નથી. આજ કારણોને લીધે તે ઈશ્વર પાસેથી સંપત્તિ મળેલ હોવા છતાં પણ તેનો સદબુદ્ધિપૂર્વક ઉપયોગ કરી શકતો નથી અને પરિણામે તેનું જીવન દુ:ખમય બનાવી દેતો હોય છે. જીવનમાં વ્યક્તિ જો ઈશ્વર થકી પોતાને ભાગ્યશાળી માનતો થઈ જાય, પોતાના જીવનની અન્યના સાથે તુલના કરવાનું બંધ કરી દે તો માનવીનો દુઃખનો સમય પણ સુખમાં પરિવર્તન પામતા વાર નથી લાગતી.
ઈશ્વરની આ દુનિયામાં આપણા સિવાય કેટલાય અન્ય અબોલ જીવો છે જે આપણાથી વધુ આ જીવનમાં દુઃખી છે જેની વ્યક્તિને પોતાના જીવનમાં જરાય કલ્પના માત્ર પણ નથી હોતી. વ્યક્તિ જેટલો સ્વતંત્રતા થી જીવી રહ્યો છે તેટલા સ્વતંત્ર કોઈ અબોલ જીવો નથી. કેટલાય જીવો મનુષ્યના લીધે સારું જીવન પસાર કરી શકતા નથી. વળી એવું પણ નથી કે સમાજમાં કરુણારહિત માનવીઓ જ છે. ઘણા ખરા એવા પણ મનુષ્ય છે જે અબોલ જીવોની સેવા માટે પોતાના બનતા પ્રયત્નોએ સેવામાં આગળ પણ આવે છે. પણ જો દુનિયાના દરેક ખૂણામાં કરુણાસહિત મનુષ્ય હોય તો દરેક અબોલ જીવોને માટે પણ અહીં સ્વર્ગ બની જાય તેમ છે. જીવનમાં આવા કાર્ય કરવાથી ઉપરવાળો માલિક આપણાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઉપરવાળો માલિક જો જીવનમાં આપણાથી પ્રસન્ન રહે તો આપણા જીવનની ગતિ સુખમય અને સફળતાની ગતિમાં ક્યારેય પણ અવરોધો નથી આવતા.
આપણાથી બનતા પ્રયત્ન એ ઈશ્વરનો હાથ બનવા માટે હંમેશા જીવનમાં પ્રયત્નશીલ રહેવું. કોણ કહે છે કે ઈશ્વરનો હાથ બનવા માટે આપણા પર બમણા પ્રમાણમાં સંપત્તિ, સગવડો હોવી જરૂરી જ છે. અન્યના સુખ માટે કરેલી ઈશ્વરને અરજી પણ તમને ઈશ્વરના હાથ બનવા માટે દોરી જાય તેમ છે. જીવનમાં પોતાનું હિત જોતા પહેલા અન્યના હિતની કરેલી ઈશ્વરને પ્રાર્થના જ આપણા જીવનની ગતિ બમણી કરી શકે તેમ છે. આપણે માત્ર દિલથી એક પ્રયત્ન કરવાની જરૂર છે.
✍️ ધીનલ એસ. ગાંવિત, વલસાડ.