10) સમયની પરિભાષા

આપણે સૌ આપણા જીવનમા જ્યારે સમયની પરિભાષા સમજી જઈએ તો ક્યારેક એ આપણને સારી લાગે છે અને ક્યારેક તે આપણને ખરાબ. પણ જીવનમાં એક હકીકત સ્વીકારવા જનક છે કે આપણા જીવનમાં સમય થી મોટું સત્ય કંઈ નથી.

જો આપણે જીવનમા બદલાતા સમય ને અપનાવી લઈએ તો આપણે જીવનમાં સદગતિ તરફ આગળ વધીને જીવનને ઉત્સવ તરીકે ઉજવી શકીએ છીએ. ભલેને પછી એ સમય દુઃખનો પણ કેમ ન હોય. સમયની સમજણ થી આપણે કેળવાય જઈએ તો જિંદગી જીવવું સરળ બની જાય તેમ છે.

આપણા જીવનમાં આવતો દરેક પ્રકારનો સુખ દુઃખનો સમય એ ઉપરવાળા માલિક દ્વારા જ લખાયેલ હોય છે. ઉપરવાળો માલિક આપણને ખરાબ સમય થી જીવનમાં કઈક શીખવે છે તો સુખના સમય થી આપણા જીવનને ખુશીઓથી ભરેલું કરી દેય છે. આમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એમ સમયનું ચક્ર આપણા જીવનમાં સતત ચાલતું રહે છે. જો આપણે આ બાબત સ્વીકારીને જીવન વિતાવીએ તો આપણને દુઃખના સમયમાં પણ સુખની અનુભૂતિ થતી જાય છે.

ભાગવત ગીતામાં કહ્યું છે તે પ્રમાણે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરેક વ્યક્તિને બદલાતા સુખના પરિવર્તનને સ્વીકારવાની વાર નથી લાગતી પણ દુઃખના પરિવર્તનને સ્વીકારવા માટે તે ક્યારેક ઘણો લાંબો સમય પણ કાઢી નાખે છે. આમ કરવાથી વ્યક્તિ સતત દુઃખી થતો જોવા મળે છે. આખરે તે જીવનથી હાર માની જતો હોય છે. ને આથી જ આપણે ગીતાની આ બાબતને ધ્યાનમાં લેવાની છે જેથી આપણે જીવનનો માર્ગ દુઃખની પરિસ્થિતિમાં પણ સફળ બની રહે. જો જીવનમાં પરિવર્તનને સહજતાથી સ્વીકારી લઈએ તો પ્રગતિ પણ અચૂક મળી જાય તેમ છે.

સમયની તાકાત સૌથી મોટી છે એ કેહવુ ખોટું નથી. કારણકે સમય અભિમાનને પણ તોડવાની તાકાત ધરાવે છે. જીવનમા સારા તેમજ ખરાબ વ્યક્તિનો પરિચય પણ સમય થકી જ આપણને થાય છે. જો આપણે જીવનના દરેક પળમાં સમયની કદર કરીએ તો જીવનમાં દરેક પ્રકારનો સમય આપણી પણ કદર કરે જ છે. બસ એ માત્ર આપણી વિચારશક્તિમાં વિકસાવવાની જરૂર હોય છે. ઓશોના શબ્દોમાં કહીએ તો…. ‘ कल समय मिलेगा, यही कितना बड़ा भ्रम है|’ આથી જ દરેક પળની કિંમત કરી લેવી જરૂરી છે.

જીવનમાં સમય થી મોટું સત્ય કંઈ પણ નથી. સમય આપણને દરેક પ્રકારના સત્યથી અવગત કરાવી દેય છે. ભલે પછી એ સત્ય આપણાથી ગમે તેટલું અજાણ રહસ્ય બનીને પણ કેમ ન રહેતું હોય. સમય જેટલો ઈમાનદાર જીવનમાં કોઈ પણ સબંધ નથી હોતો. આથી સમય પર વિશ્વાસ રાખીને જિંદગી જીવવી ફાયદારૂપ સાબિત થાય છે.

જો જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રધ્ધા અચૂક હોય પ્રેમ, સમર્પણ ભાવ હોય તો ખરાબ સમયમાં પણ સહનશકિત ઉપરવાળો આપણા અંતર આત્મામાં જન્માવી જ દેય છે. પણ આપણો ઉપરવાળા માલિક પ્રત્યે ભરોસો પૂરેપૂરો હોવો જરૂરી છે.

ટૂંકમાં તો જે પોતાના જીવનમાં સમયની કદર કરતા શીખી જાય છે તે વિજય પણ થઈ જ જાય છે.

✍️ ધીનલ એસ. ગાંવિત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *