8) પ્રકાશનો ઉત્સવ: દીપોત્સવ

ઉત્સવોનો તેહવાર દિવાળી આવેને પરિવાર યાદ આવે. ભારતભરનાં તમામ હિન્દુઓ વિશેષ તહેવારને પરિવાર સાથે હળીમળીને આનંદ ઉલ્લાસથી આ તેહવારની ઉજવણી કરે છે.
આમ જોવા જઈએ તો ખરેખર જ્યારે પરિવારના સહ સદસ્યો સાથે હોય તો દરેક દિવસે દિવાળી અને હોળી હોવાના જ. પહેલાનો સમય એવો હતો કે જ્યારે કુટુંબના સભ્યોની સંખ્યા દસ કે તેથી વધુ હોય અને ક્યારેય પણ કોઈને તકલીફ આવે તો તેનું નિવારણ પણ અચૂકથી મળી જતું હતું. તેવા સમયમાં ઘરમાં ડિપ્રેશન નામનો શબ્દ રહી પણ ન શકતો હતો. જ્યારે આજના બદલાતા યુગમાં દસ શયનખંડવાળા મોટા ઘરમાં માત્ર એક પરિવારના ચાર સદસ્યો મળીને રહેતા હોય છે. જ્યાં જીવન ખૂબ જ તણાવ ભર્યું બની ગયું છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે એ સમજી શકાય પણ આપણે તો જીવનના જડમૂળમાંથી જ પરિવર્તનની વ્યાખ્યા બદલી કાઢી છે.

એ ઘર ભર્યું કહેવાય જ્યાં વડીલો સંસ્કારનું રોજ સિંચન કરતા હોય, બાળકોનો ખિલખિલાટ હોય તેમજ માતા પિતા, કાકા કાકીનો ભરપૂર સાથ સહકાર ઘરમાં સૌ કોઈને મળતો હોય. નવી જનરેશનની થોડી નવી રીતો હોય તેમજ સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખનારા દાદાદાદીનો આદર સહકાર હોય. આવું ભર્યું ઘરની હુંફ જીવનને મુશ્કેલ થી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી લાવે તેમ છે.

પહેલાના સમયમાં સહ પરિવાર સાથે રહેતા ત્યારે કામ અને જવાબદારી બંને વેચાઈ જતા હતા. આથી દરેક વ્યક્તિનું જીવન હર્યું ભર્યું રહેતું હતું. હા એ જીવનમાં થોડી મર્યાદાઓ પણ હતી. પણ પતિપત્ની બંને આ વાતને સમજી જતા હતા. આજના સમયમાં આવું જોવા મળતું નથી. દરેક ઘરમાં ક્યાંક સ્ત્રી, ક્યાંક પુરુષ તો ક્યારેક ટીનેજર બાળકો દિવાલના ખૂણામાં તણાવપૂર્વક પરિસ્થિતિમાં જીવન ગાળતા જોવા મળે છે. ભલે સમય બદલાયો હોય, સમજણ શક્તિ બદલાઈ, નવી વિચારસરણી આવી હોય પણ કંઈક ન બદલાયું હોય તો એ છે આપણા સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલા ઉત્સવો અને એ ઉત્સવનો આનંદ. જે દરેક વ્યક્તિના જન્મથી રંગેરંગમાં આવે જ છે.

એક દીવડો પોતાના જેવા અનેક દિવડાઓને પ્રગટાવી શકે છે. અને અનેક દીવડાઓ પ્રગટાવ્યા પછી પણ એ દીવડાનો પ્રકાશ ઓછો નથી થતો. જીવનમાં આપણે પ્રથમ પોતે જ પોતાના દિપક બનવું જરૂરી છે. જો આમ થશે તો આપણે અન્યને પ્રકાશિત કરી શકીશું. પેહલા સ્વથી જ દીપ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવી. એક મહાન વ્યક્તિ પોતાના જ્ઞાન થકી અનેક ને જ્ઞાન આપી શકે છે. તેના જ્ઞાનમાં કદી પણ આમ કરવાથી ઉણપ થતી નથી. જ્ઞાનની જેટલી વહેંચણી થાય તેટલું તે જ્ઞાન દ્રઢ બનતું જાય છે. તેમજ પોતાનામાં જ્ઞાનની વહેચણી થી આત્મવિશ્વાસ ભરપૂર થતો જણાય છે. સ્વામી ચિન્મયાનંદના શબ્દોમાં કહીએ તો…મનોહર દીપ જ્યોતિ સિવાય અન્ય કઈ વસ્તુ ઘરને શોભવશે? ગહન જ્ઞાન પ્રકાશ સિવાય અન્ય કઈ વસ્તુ મનને આભૂષિત કરશે? આમ દીવડો પ્રગટાવવાની પરંપરામાં ખૂબ જ બૌદ્ધિક આધ્યાત્મક ભાવ રહેલ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં દીપકનું ખૂબ જ મહત્વ વર્ણવાયેલ છે. તેથી સૌ મળીને દિવાળી પર્વને દીપ પ્રાગટ્ય કરીને માણીએ.

દિવાળી એ ખાસ ભગવાન રામના રાવણ સાથે યુદ્ધ લડીને પાછા અયોધ્યા નગરીમાં વનવાસ પૂરો કરીને ફરવાની સાથે ઉજવવામાં આવતી પરંપરા છે. દિવાળીના દિવસોમાં દરેક ઘરના ખૂણે ખૂણે ઘરની સાફસફાઈ કરી, ઘરની સજાવટ કરવામાં આવે છે, રંગોળી સજાવીએ અને ઘરના આંગણે આંગણે દિપક પ્રગટાવવામાં આવે છે. જો ભગવાન રામના સાથે જોડાયેલો આ ઉત્સવ આપણે દરેક હિન્દુઓ આટઆટલા ધામધૂમથી ઉજવી શકીએ તો ભગવાન રામ જેવું છે પવિત્ર હૃદય પણ આપણે અચૂકથી બનાવી શકીએ તેમ છે. જીવનમાં વ્યક્તિ પ્રત્યે થતાં અલગઅલગ રાગ, દ્વેષ, ઈર્ષ્યા, છલ, કપટતા જેવા અનેક ભાવો આપણે આપણા મનમાંથી વર્ષમાં આવતી દિવાળી પર ત્યાગી ન શકીએ તો ખરા અર્થમાં આપણે રામભક્ત ના કહેવાય. જેના વગર દિવાળીની ઉજવણીઓ પણ અધુરી ગણાય. જ્યાં સુધી જીવનમાં આવા ખરાબ ગુણોનું આપણે ત્યાગ નહીં કરીએ ત્યાં સુધી વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવી શકે તેમ નથી અને ખરા અર્થમાં તેનું સંપૂર્ણ જીવન ઉજવાતું પણ નથી.

ફટાકડાઓ દિવાળીમાં ઓછા ફોડીને પ્રદૂષણ અટકાવવા માટે વૃક્ષો તેમજ છોડવાઓ જો આપણે વાવી લઈએ તો પણ શ્રી રામની કૃપા આપણી ઉપર બની જાય તેમ છે. દિવાળી ક્યાં દરેક વ્યક્તિની સરખી હોય છે. જરૂરિયાત મંદને દિવાળીની ખુશી વેચીએ એ પણ એક રીતે દિવાળી પર્વની ઉજવણી જ થઈ કેહવાય.

ભગવાન રામ અબોલ જીવો પ્રત્યે અત્યંત દયનીય હતા. જ્યારે આજના ખૂણેખૂણે દરેક વ્યક્તિ અબોલ જીવોને મારી નાખતા અચકાતા પણ નથી. પછી બોલો ક્યાંથી થઈ આપણી દિવાળીની ઉજવણી. સમાજને સુધારવા પહેલાં ખુદની જાતમાં સુધારો લાવવો જરૂરી છે. કોઈક ને આસપાસના જીવોનું રક્ષણ માટે સમજણ ન અપાય તો ચાલી જશે પણ પોતાના કુટુંબી સભ્યોને તેમજ પોતે અબોલ જીવોને પ્રત્યેય દયનીયતા બતાવી શકાય તેમ છે. નવા વર્ષમાં નવા ગુણો અચૂકથી લેવા જોઈએ. પોતાનું જીવન જીવવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. જીવનમાં કોઈ સારું કામ કરવાનો સંકલ્પ ન લઈ શકાય તો પણ ઠીક. પણ એટલું અચૂકથી કરવું જોઈએ કે જીવન જીવતા જીવતા કોઈને પણ નડતરરૂપ ન સાબિત થવાય.

નવા વર્ષમાં એક પ્રયત્ન આપણી આસપાસના કોઈ પણ ખૂણે ખુશીઓ ભરવાની બાકી ન રહી જાય તેની તકેદારી રાખી લઈએ તો ભગવાન રામના મુખ ઉપર અવશ્ય સ્મિત આવશે. જો આમ કરવામાં આપણે સફળ થઈ જઈએ તો આપણા અંતરાત્મા માં પણ ભગવાન રામનું સ્વરૂપ છુપાયેલ છે. એ કેહવુ ખોટું નથી.

નવું વર્ષ, નવી શરુઆત, નવી વાતો, નવા અનુભવો, નવા ગુણો, નવા સંસ્કારો આ બધું તો જીવનમાં સ્વીકારવાનું જ રહ્યું. પણ પોતાના સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવા માટે આપણે જ જવાબદારી લેવાની છે. જેથી આપણી આવનારી પેઢી પણ આ જ પરંપરાને જાળવવાની જવાબદારી લેય.

બુદ્ધિના દેવતા ગણપતિ બાપ્પા, ધનના દેવી મા લક્ષ્મી,જ્ઞાનનો પ્રકાશ મા સરસ્વતી, અંધકારને ઉજાગર કરનારી માં કાલિકા, પ્રજાપતિ બ્રહ્મા, સૃષ્ટિના સર્જનહાર વિષ્ણુ તેમજ પાલનહાર મહેશને સત્ સત્ નમન.

✍️ ધીનલ એસ. ગાંવિત, વલસાડ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *