16) ગણપતિ દાદાનું વિસર્જન થયું પણ મનના ખરાબ ભાવો વિસર્જિત થયા ખરા!

દર વર્ષે ગણપતિ બાપા આવે ને, ખૂણે ખૂણે ગણપતિ બેસાડાય અને બપ્પાની પૂજાઓ, અર્ચનાઓ થાય. ભજન-ગીતો ગવાય અને લાડુ, પ્રસાદી તેમજ જાતજાતના થાળો ધરાવાય. અગણિત સંખ્યામાં ભક્તો ગણપતિદાદાની પૂજામાં ભાગ લેય અને બાપ્પાને પ્રસન્ન કરે. પણ ખરા અર્થમાં તો ગણપતિ બાપ્પાની પૂજા તો એજ વ્યક્તિની ફળે જે વ્યક્તિ ગણપતિદાદાની જેમ જ માતા પિતાના ચરણોમાં બ્રહ્માંડ ને જોતા શીખે. પણ આજના સમયમાં વ્યક્તિ બારેમાસ પોતાના માતાપિતાનું ગણપતિ સમાન જ આદર આચરે એવું ક્યાંય પણ બનતું નથી. ક્યારેક ગેપ જનરેશનના લીધે તો ક્યારેક માતાપિતા સહમત ન હોય એટલે સંતાન કલેશ કે રાગ ઉત્પન્ન કરે છે. એવું પણ બનતું હોય છે કે દીકરીઓ પણ સાસરામાં સાસુસસરાને ઓછા પસંદ કરતી હોય છે અને માતાપિતા પણ એ દીકરી આગળ કઈ બોલી શકે એમ હોતું નથી. પછી બોલો આપણા ઉપર ગણપતિ બાપ્પા ક્યાંથી પ્રસન્ન થાય! એ તો સ્વય વિઘ્નહર્તા દેવ છે. પણ વિઘ્ન પણ એનું જ હરાય જે પુરા જીવન ગણપતિ દાદા એ સૂચવેલ માર્ગ પર ચાલતો હોય.

એક વિચારણા કરીએ તો ગણપતિ બાપ્પાની મૂર્તિઓમાં પણ સૌથી મોટી અને નાનકડી મૂર્તિ બંનેમાં ગણપતિ દાદાની કૃતિ સરખી જ રીતે વર્ણવાયેલી હોય છે. તેમ છતાં આજના કળિયુગમાં વ્યક્તિ પોતાના કદથી પણ વધારે મોટી મૂર્તિઓ બેસાડવાની પરંપરાઓ ચલાવી રહ્યો છે. બોલો હવે આને ગણપતિ બાપ્પા પ્રત્યેની શ્રદ્ધા કહીએ કે પછી એક દેખાદેખી નો રસ્તો. જો તમારા પર ગણપતિ ઉત્સવનો ફાળો વધુ હોય તો એજ ફાળાને ગણપતિ પૂજનના દિવસો દરમિયાન પોતાના ગામમાં નિયમીત થાળ આયોજન કરીને તેમજ કોઈક ભૂખ્યાને બોલાવી જમાડીને પણ ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરી શકાય એમ છે. ગણપતિ બાપ્પા એ આપણા મનુષ્યોને ક્યારેય પણ એવું નથી કહ્યું કે મોટી મૂર્તિઓ થકી જ તેમનું પૂંજન સફળ થાય. તેઓ તો હંમેશા અલગ અલગ થાળ ધરાવાથી પણ પ્રસન્ન થઈ શકે એમ છે.

આપણી પ્રાચીન સમયની પદ્ધતિ જાણીએ તો પહેલાંના સમયમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનનું આગમન કરવા માટે તેમજ ભગવાનનો ભાવ પ્રકૃતિમાં પ્રસારિત કરવા માટે વાજિંત્રો, શરણાઈના સૂર, ઢોલ, નગાડા, તબલા, ડમરુ તેમજ મંજીરા જેવી વસ્તુઓની મદદથી ધ્વનિઓ ઉત્પન્ન કરવામાં આવતી હતી. ને આજના સમયમાં આપણે ફૂલ લાઉડ ડી. જે. સ્પીકરોમાં ગીતો વગાડતા હોઈએ છીએ. જેનાથી આપણે ધ્વનિ પ્રદૂષણ કરીને પ્રકૃતિને પણ નુકસાન કરીએ છીએ. ગણપતિ બાપ્પા આનાથી પણ ક્યાંથી પ્રસન્ન થાય તેવી વિચારવાજનક બાબત છે.

ગણપતિ બાપાની પૂજાનો તેહવાર હંમેશા સૌ કોઈ જનતા, લોકો દ્વારા મળીને ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. તેમ છતાં પણ ગણપતિ બાપ્પાની વિદાય થયા પછી કોઈ પણ સંપ જળવાતો નથી. બસ મનમાં રહે છે તો વ્યક્તિ પોતાનાથી વધારે આગળ ના વધે તેવી ઈર્ષા. ખરેખર ગણપતિ દાદાના વિસર્જન સમયે આપણે આપણી ઈર્ષા, રાગ, દ્વેષ, ગુસ્સો આ બધું ને જ વિસર્જન કરવું જોઈએ. જો આમ નહિ થાય તો આપણા હિન્દુ ધર્મના ઉત્સવો, પરંપરાઓને જાળવવામાં ઘણી મુશ્કેલીઓ આવે એ કેહવુ ખોટું નથી.

ગણપતિ બાપ્પાનો ઉત્સવ દર વર્ષે આવશે, સાથે ખુશીઓ પણ આવશે પણ આપણે જીવનમા સારા વિચારોથી જો નહીં કેળવાઈ એ તો આવનારા સમયમાં આપણી પેઢી પણ સારા વિચારોથી વંચિત જ રહી જશે. આથી જ ગણપતિજીના આ વિસર્જન પર આપણે દરેકે આપણી ઈર્ષા તેમજ ગુસ્સાને ત્યાગીને હંમેશા માતાપિતાનો આદર કરવાનું વચન અચૂક લેવું જોઈએ.

લેખિકા : ધીનલ એસ. ગાંવિત (વલસાડ)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *