
કારતક માસની પૂર્ણિમાના દિને ઉજવાતો પર્વ એટલે દિપાવલી. ધનતેરસ થી શરૂ થઈને ભાઈબીજ સુધી ઉજવાતો આ પાંચ દિવસનો પર્વ હિન્દુઓ વિશેષ રીતે ધામધૂમથી ઉજવે છે. ઘરના ખૂણે ખૂણે દીપ પ્રગટાવી તેમજ લક્ષ્મી પૂજન સાથે આ પર્વ ઉજવવામાં આવે છે.
દિવાળી પર્વ આવતા છે ઘરમાં થતી સાફસફાઇ પણ પોતાના મનના ખરાબ ભાવો ને સાફ કરીને પવિત્ર બનાવવાનો પ્રયત્ન છે. ખૂણે ખૂણે ખુશીઓના દીપ પ્રગટાવીને અન્યને ખુશી વેચવાનો તેહવાર છે. દેવી દેવતાઓની પૂજા આરાધનાઓ કરીને તેમને પ્રસન્ન કરવાનો પર્વ તરીકે દિવાળી ઉજવવામાં આવે છે. માત્ર કારતક માસની અમાસનો આ વિશેષ તહેવાર માટે આખા કેલેન્ડર એટલે કે એક વર્ષ સુધીની રાહ જોવી પડતી હોય છે. જાત જાતની મીઠાઈઓ તેમજ ઘર આંગણે પૂરાતી રંગોળી વિના આ પર્વ અધુરો જ ગણાય તેમ છે.
દિવાળીના ઉત્સવ બાબતે કેટલીક પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
૧) ભગવાન શ્રી રામ જ્યારે રાવણનો વધ કરીને અયોધ્યા નગરી જ્યારે પાછા ફરે છે ત્યારે અયોધ્યા વાસીઓએ નગરને સાફ કરીને શ્રીરામનું આગમન માટે દીપ પ્રગટાવ્યા હતા. ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે. કારતક માસની અમાસના દિવસે દીપ પ્રાગટ્ય કરવાનું કારણ ઘોર અંધકારને દૂર કરવાનું છે.
૨) જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે આ દિવસો દરમિયાન લક્ષ્મીજી ક્ષઈર સાગરમાંથી બ્રહ્માંડમાં અવતારિત પામ્યા હતા. ત્યારથી લક્ષ્મી માતાના જન્મદિવસ તરીકે દિવાળી ઉજવાય છે અને લક્ષ્મી પૂજન કરવામાં આવે છે.
૩) દિવાળીના અગાઉના દિવસને નરકચતુર્થી તરીકે પણ ઉજવવામાં આવે છે. કારણ કે શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુર નામના પાપી રાજાનો આ દિવસે વધ કર્યો હતો. નરકાસુરે પોતાના બળથી દેવતા ઉપર તેમજ મનુષ્ય પર ખૂબ અત્યાચાર કર્યો હતો. તેણે સોળ હજાર કન્યાઓને બંધી બનાવી લીધી હતી. નરકચતુર્થીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુરનો અંત કરી આ 16000 કન્યાઓને મુક્ત કરી હતી. તેથી દિવાળીને અધર્મ પર ધર્મની વિજયના પર્વ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
દિવાળીની મુખ્ય ત્રણ રાત્રીઓ દિવ્ય શક્તિઓની રાત્રીઓ ગણવામાં આવે છે. કાલ રાત્રી, મહારાત્રી, મોહરાત્રી. પ્રથમ રાત્રી લક્ષ્મીજીની એટલે કે ધનતેરસ તરીકે, બીજી રાત્રી મહાકાલીની એટલે કે કાળી ચૌદસ તરીકે, ત્રીજી રાત્રી સરસ્વતી માતાની એટલે કે ચોપડા પૂજન તરીકે ઉજવવામાં આવે છે. જો આ ત્રણ દેવીઓનું દિવાળીના પર્વમાં પૂજન ન થાય તો દિવાળી અધુરી ગણવામાં આવે છે. લક્ષ્મીપૂજન ની સાથે સાથે ગણેશ પૂજન પણ અનિવાર્ય છે કારણ કે લક્ષ્મીજી ધનની દેવી છે જ્યારે ગણપતિજી બુદ્ધિના દેવતા છે. જો ઘરમાં આવતું ધનનો ઉપયોગ બુદ્ધિપૂર્વક ન કરવામાં આવે તો તે ધન ટકતું નથી. આથી લક્ષ્મી પૂજન સાથે ગણેશપૂજન કરવામાં આવે છે. અસ્તુ.
_ ધીનલ એસ. ગાંવિત