
અત્યારે જ ગણપતિ દાદા આવ્યા અને થોડા જ દિવસોમાં વિસર્જનના દિવસો આવી ગયા. ગણપતિ બાપ્પાના પૂજન સમયે આપણે સૌ કહેતા હોઈએ છીએ કે જે પણ કંઈ ભૂલ થઈ હોય તેની માફી આપણે દાદા પાસે માંગતા હોઈએ છીએ. ગણપતિ બાપ્પા આપણા સૌ કોઈના આટલા એવા પ્રિય હોવાથી પણ તેઓ અનંત ચતુર્થીના દિવસે વિસર્જિત થઈ જાય છે પણ દાદા આપણા મનમાં હંમેશા વસેલા રહે છે.
આપણા સૌના જીવનમાં પણ કઈક આવું જ હોય છે. જીવનમાં આપણે આવીએ પણ એકલા જ છીએ અને જઈએ પણ એકલા જ છીએ. તેમ છતાં ગણપતિ દાદાની જેમ જ આપણું કોઈ પ્રિયજન છૂટી જાય તો જીવનમાં આગળ વધવાનું મુશ્કેલ બની જતું હોય છે. આપણા પ્રિયજન જેમના સાથે આપણને જીવનમા આગળ વધવાની પ્રેરણા મળતી હોય, જેના થકી આપણા જીવનનો નુર ચમકતો હોય તેવા પ્રિયજનને પોતાના જીવનમાંથી ક્યારેય ન જાય એના માટે પ્રયત્નો અચૂક થી કરી લેવા જેથી આપણને જીવનમાં એ વાતનો પસ્તાવો નહિ થાય કે આપણે તેમને આપણા જીવનમાંથી જવા માટે રોક્યા નહિ. પણ આખરે આ જીવનમાં મળતા દરેક વ્યક્તિ માત્ર પાછલા જન્મની આપ લે કરવા માટે જ હોય છે. જેમાંથી કેટલાક હમેશાં આપણા સાથે જીવનભર જોડાય રહે છે તો કેટલાક આપણા જીવનમાં માત્ર થોડાક જ સમય માટે આવીને જતા રહેતા હોય છે.
કોઈ પણ વ્યક્તિ જીવનમાં ખરાબ નથી હોતો. દરેકનું સ્વભાવ, વાણી, વર્તનના લીધે તે આપણાથી અલગ પડી જતો હોય છે. વળી, જીવનમાં એવા પણ વ્યક્તિઓ આવે જેઓ આપણા જીવનમાં નડતર રૂપ સાબિત થાય. આવા લોકોને જીવનમાં આપણા માર્ગ પર ચાલવાની સમજણ આપવા કરતા આપણે જ તેમના રસ્તે થી થોડું અંતર બનાવીને રાખવું ફાયદાકારક સાબિત થાય છે. ભૂંડને ક્યારેય પણ કીચડ જેટલો લગાવ અન્ય પ્રકૃતિથી હોતો નથી. બસ કેટલાક લોકોને પણ આ ભુંડની જેમ સમજાવવા ન બેસાય એટલે અચુકથી તેમને તેમના મેળે જ છોડી દેવું શ્રેષ્ઠ છે.
આપણા જીવનમાં આવતા દરેક વ્યક્તિ મેહમાન માત્ર જ હોય છે. એ સનાતન સત્ય હકીકત જ છે. આપણે જેટલી જલ્દીથી તેને સ્વીકારીએ તેટલું જ જીવન સરળ બની જાય. તેમ છતાં આપણે નહિ સમજીએ તો આપનું જીવનને અઘરું બનતા વાર ન લાગે. કોઈ વ્યક્તિ કે પ્રિયજન નો સાથ જીવનમાં છૂટી જાય તો એની યાદમાં ખુશ થવાની મજા પણ કઈક અલગ જ છે. કારણકે આપણી સાથે રહેતા વ્યક્તિની કેટલીક શરતો હોય છે જે આપણે તે વ્યક્તિના સાથ મળે એ માટે સ્વીકારતા હોઈએ છીએ. પણ આજ શરત કોઈ વ્યક્તિ કે પ્રિયજનના ગયા પછી લાગુ પડતી નથી. તમે ધારો એટલો તેને યાદ કરી શકો છો અને તમારો પ્રેમ એમના પ્રત્યે અર્પણ કરી શકો છો. તમને રોકવા માટે કોઈ અડચણ નહિ આવે.
કેટલાક વ્યક્તિ હંમેશા આપણા જીવનમાં કાંટાની જેમ ખૂચવા માટે જ આવતા હોય છે. આવી વ્યક્તિઓને જ્યારે પગમાં કાંટો વાગે ત્યારે આપણે દૂર ફેંકી દઈએ છીએ તે જ રીતે આપણે જીવનમાં પણ કરવું જોઈએ. અન્યથા એ જ કાંટો પગમાંથી નહીં નીકળે ત્યારે જેમ પરુ સર્જાય છે એ જ રીતે આપણું જીવન પણ દૂષિત થતા વાર નથી લાગતી.
વળી કોઈએ આપણને પણ દુઃખી કર્યા હોય, આપનું જીવનમાં નુકસાન કર્યું હોય એવા ને પણ જીવનમાં સમય જતા મનથી અચૂક માફ કરી દેવા. કારણકે દરેક વ્યક્તિ આપણને કઈક શીખવવા માટે જ જીવનમાં આગમન લેય છે. ક્યારેક સારો વ્યક્તિ પ્રેમ, મદદ, સમર્પણ, આદર, હુંફ જેવા ગુણો શીખવતો હોય છે તો ખરાબ વ્યક્તિ તેના પોતાનાથી આપણને શ્રેષ્ઠ માણસ બનાવી જાય છે. ખરાબ વ્યક્તિ જીવનમાં અનુભવ શીખવી જતો હોય છે. જીવનમાં દરેક પગથિયે ચાલવાની સમજણ પણ જીવનમાં આવતા આવા ખરાબ વ્યક્તિને લીધે જ આપણામાં આવતી હોય છે. આથી આપણા મનને પવિત્ર બનાવીને ખરાબ લોકોને માટે પણ જીવનમાં એક સમયે મનથી માફ કરીને વિસર્જિત કરી દેવા અચૂક જરૂરી છે.